ભારતવર્ષનાં યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી એ ભારત દેશને એક તાંતણે જોડનાર લોખંડી પુરૂષ ભારતરત્ન સરદાર વલ્લ્ભભાઇ પટેલને શ્રધ્ધાંજલિ આપવા તેમજ આવનારી પેઢી તેમનાં કાર્યો થકી સતત પ્રેરણા મેળવે તે ઉદ્દેશ્યથી તેઓશ્રીની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા એકતા નગર ખાતે સ્થાપી છે.
વિંધ્યાચળ અને સાતપુડા પર્વતની ગિરિમાળાઓની વચ્ચે નર્મદા નદીમાં આવેલ સાધુ બેટ ઉપર આવેલી સરદાર સાહેબની આ ૧૮૨ મીટર ઊંચી આબેહૂબ પ્રતિમા અત્યંત શોભાયમાન લાગે છે. આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની પરિકલ્પના મુજબનાં એકતા નગરનાં સંકલિત વિકાસનાં ભાગ રૂપે આ પ્રતિમા ઉપરાંત બીજા ઘણાં આકર્ષક પ્રવાસન સ્થળો એકતા નગરની શોભામાં વધારો કરી રહ્યાં છે; જેમાં વેલી ઓફ ફ્લાવર્સ, શૂલપાણેશ્વર અભ્યારણ, જંગલ સફારી, ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્ક, આરોગ્ય વન, એકતા નર્સરી, એકતા મોલ, વિશ્વ વન, કેક્ટસ ગાર્ડન, બટરફ્લાય ગાર્ડન, આસપાસમાં આવેલા મંદિરો, સરદાર સરોવર બંધ, ઝરવાણીનો આકર્ષક ધોધ વગેરેનો સમાવેશ થાય છે. આ વિરાટ સ્મારક અને તેની આસપાસનો અતિ સુંદર વિસ્તાર તેના પ્રાકૃતિક સૌંદર્ય તેમજ દરેક વર્ગ અને ઉંમરનાં પ્રવાસીઓને માટે અદ્ભુત આકર્ષણોને કારણે એકતા નગર આંતરરાષ્ટ્રીય સ્તરનું એક આદર્શ પ્રવાસન સ્થળ બની ગયું છે. પરિણામે એકતા નગરનો સંકલિત વિકાસ શક્ય બન્યો છે અને સ્થાનિક લોકો માટે રોજગારીની વિપુલ તકો ઉભી થતાં તેમના સામાજીક- આર્થિક ધોરણમાં સતત સુધાર આવી રહ્યો છે.