પાછા જાઓ
શિવપુત્રી નર્મદા દુનિયાની એકમાત્ર નદી છે કે જેની પરિક્રમા પણ કરવામાં આવે છે. ભગવાન મહાદેવે મા નર્મદાજીનાં પ્રાગટ્ય અવસરે એવા આશીર્વાદ આપ્યા હતાં કે, મા નર્મદાજીનાં કિનારે પ્રત્યેક કંકર શંકર કહેવાશે માટે નર્મદા નદીનો કાંઠો અતિપવિત્ર માનવામાં આવે છે.
નર્મદા નદીનાં માહાત્મ્ય ને ધ્યાને રાખીને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ની પરિકલ્પનાને સાકાર કરવા માટે શ્રી શૂલપાણેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા પ્રતિદિન પૂરા રીત-રીવાજ અને મંત્રોચ્ચાર સાથે નર્મદાજીની મહા-આરતીનું આયોજન કરવામાં આવે છે. પવિત્ર વાતાવરણમાં ૭ પૂજારીશ્રીઓ દ્વારા મા નર્મદાજીની આરતી કરવામાં આવે છે. જેમાં મુખ્યત્વે નર્મદાજીની આરતી અને નર્મદા અષ્ટકનાં ગાન સાથે ધૂપ-આરતીથી નર્મદાજીને અર્ઘ્ય આપવામાં આવે છે. સંગીતવૃંદ દ્વારા સુંદર આરતી રજૂ કરવામાં આવે છે જેથી વાતાવરણમાં અતિ પવિત્રતા છવાઇ જાય છે.