સ્ટેચ્યુ ઓફ યુનિટી
કામકાજનાં કલાકો: ૦૮:૦૦ થી ૧૮.૦૦ કલાક (સોમવારે બંધ)
સ્લોટ: ૦૮:૦૦ થી ૧૦:૦૦, ૧૦:૦૦ થી ૧૨:૦૦, ૧૨:૦૦ થી ૧૪:૦૦, ૧૪:૦૦ થી ૧૬:૦૦, ૧૬:૦૦ થી ૧૮:૦૦ કલાક
ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલને સમર્પિત સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે. તેની ઊંચાઈ ૧૮૨ મીટર છે, જે અમેરિકામાં સ્થિત સ્ટેચ્યુ ઑફ લિબર્ટી કરતાં લગભગ બમણી છે. તેના નિર્માણ માટે ભારતના તમામ ગામડાઓમાંથી લોખંડ લાવવામાં આવ્યું હતું, જે આ મહાન યજ્ઞમાં સમગ્ર દેશના મૌન સંમતિનું પ્રતિક છે. આ પ્રતિમા આપણા પૂર્વજોની અદમ્ય ઇચ્છાશક્તિ અને રાષ્ટ્રીય એકીકરણ માટેના તેમના સમર્પણનું પ્રતીક છે. ભારતનાં લોહપુરુષની કાંસ્ય આવરણ ચઢાવેલી આ પ્રતિમાની પેડસ્ટલમાં ૪,૬૪૭ ચોરસ મીટરના વિસ્તારને આવરી લેતો વિશાળ એક્ઝિબિશન હોલ બનાવવામાં આવ્યો છે. આએક્ઝિબિશન હોલમાં તેમનાં જીવન, બ્રિટિશ શાસન સામે સ્વતંત્રતા ચળવળમાં તેમનું મહત્વપૂર્ણ યોગદાન અને રજવાડાઓના વિલીનીકરણમાં તેમની ભૂમિકા દર્શાવવામાં આવી છે. અહીં ઓડીયો-વિઝ્યુઅલ શો દ્વારા શૂલપાણેશ્વર વન્યજીવ અભ્યારણ, ગુજરાતના આદિવાસી લોકોનું જીવન અને સંસ્કૃતિ અને સરદાર સરોવર ડેમ ની માહિતી અહીં પ્રદર્શિત થાય છે. તમે આ વિશાળ સ્મારક પ્રતિમાની છાતી પર ૧૩૫ મીટરની ઊંચાઈએ એક વ્યુઇંગ ગેલેરી માંથી સરદાર સરોવર ડેમ તેમજ એકતા નગરની આસપાસ નો નજારો માણી શકશો! રંગબેરંગી લેસર લાઇટિંગ સિસ્ટમ દ્વારા સરદાર પટેલના ઇતિહાસ અને જીવનનું ઉત્તમ વર્ણન લાઇટ એન્ડ સાઉન્ડ શોમાં દરરોજ સાંજે (સોમવાર સિવાય) યોજાય છે જેનો લ્હાવો લીધા વગર એકતા નગરની આ મુલાકાત અધૂરી છે.